ઘરમાં એક જ વ્યક્તિ એવી હોય છે કે જે ઘરમાં બીજાની તબિયત સાચવવામાં પોતે બિમાર પડી જાય, બીજાને પેટ ભરીને ખવડાવવામાં પોતે ભુખી રહી જાય, બીજાને બધી રીતે તૈયાર કરવામાં પોતે ગમાર રહી જાય, બીજાને સજાવવામાં પોતે લઘરવઘર રહી જાય. તમારે વહેલી સવારે ૪ વાગે ઊઠવું હોય તો પોતે અલાર્મ બનીને આખી રાત જાગી રહે એ કોણ હોય.?? બા, બડી, મમ્મી, અમ્મી, મોમ, મમ્મા.
કેટકેટલા અરમાનો, આશાઓ, ઊમંગો, ઓરતાઓને જવાબદારીઓની કબરમાં દફનાવીને નિસ્વાર્થ ફરજોમાં જ પોતાનું આયખુ હોમી દેનાર મા જ હોઈ શકે. મા એટલે નદી, મા એટલે પ્રકૃતિ, મા એટલે ભગવાનથીયે ઊંચેરી કુદરત. કદાચ એટલે જ આપણે નદી, પ્રકૃતિ, કુદરતને સ્ત્રિલીંગથી સંબોધીએ છીએ. ઊબડખાબડ જવાબદારીઓ રુપી ખડકો-ડુંગરો વચ્ચેથી વહીનેય સતત નિર્મળ રહીને બીજાને તૃપ્ત તો એક મા જ કરી શકે ને.
જગતનું સર્વપ્રથમ મલ્ટિટેલેન્ટેડ પાત્ર એટલે મા. મોડર્ન સંતાનો સાથે કદમ મિલાવવા પોતે ઊમર અવગણીને મોડર્ન બની જાય અને સંતાનોની સાથે સાથે પોતાનાં બાપની અને પોતાનાં પતિની પણ મા બનીને એને સાચવી લેવાની આવડત એક મા ને જ હોય. વિશ્વમાં મા વિશે જેટલું લખાયું છે એ જો ના વાંચવું હોય તો મા વગરનાં ઘરની એકવાર કલ્પના કરી જુઓ. મા શા માટે ભગવાનનીયે મા ગણાય છે એ સમજાઈ જશે.
પોતાનાં નવજાત સંતાનને કચરાપેટીમાં તરછોડી દેનાર સ્ત્રિ પણ મા હોય છે.
જો…
મા તો મારેય ખરી અને તારેય ખરી.
બડી से बडी કોઈ नही.